આત્મનિર્ભર ખેડૂત

આત્મનિર્ભર નો સામાન્ય અર્થ તો પોતાના પગ પર ઉભા રહેવું એવો કહી શકાય. આજના સમયે ભારત દેશ એ યુવાઓનો દેશ અથવા તો યુવાન દેશ તરીકે જાણીતો છે. 2020 ના આ વર્ષમાં દરેક ભારતીયની સરેરાશ ઉમર 29 વર્ષ છે. જે દેશ પાસે આટલા યુવાન લોકો હોઈ તેને બીજા પર ખૂબ જ ઓછું નિર્ભર રહેવાની જરૂર પડે છે. ફક્ત જરૂર છે આ દરેક લોકોને તેની આવડત અને કુશળતાને આધારે કામ મળે. ટૂંકમાં કહીએ તો દેશના દરેક લોકો કોઈ ના કોઈ ક્ષેત્રે પ્રોડકટિવ (ઉત્પાદનવર્ધક) કામ કરતા હોવા જોઈએ. હવે દરેક લોકો ને કામ અપાવવા માટે નવા વ્યવસાયની અને નવી રોજગારીની તકો ઉભી કરવી પડે. હાલ જે જે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી કે સાધનો આપણે નથી બનાવી રહ્યાં અથવા બહારના દેશ પાસેથી મંગાવી રહ્યા છીએ એ આપણા ભારત દેશમાં જ ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા કરવી પડે. ફક્ત ઉત્પાદન જ ન કરતા એ વસ્તુઓ ગુણવત્તા બાબતે પણ ઉતરોતર સારી અને સંશોધિત ટેક્નોલોજી કાર્યક્ષમ હોવી જોઈએ. 
દરેક વખતે સરકાર નોકરી આપે એવી આશા સાથે બેસી રહેવું એ આત્મનિર્ભરતા નથી. સરકાર તમને સહાય કરશે, સરકારી યોજનાનો તમને લાભ મળશે એવી ખોટી આશા પર બેસી રહેવા અને નોકરી ના હોવાના ખોટા બુમો બરાડા કરવા કરતા પોતાની આવડત અને ઇચ્છાનું કોઈ પણ કામ ગોતીને એ કામ કરવાની શરૂવાત કરી દેવી એમાં જ શાણપણ છે. પોતાની આસપાસ સમસ્યાઓ ગોતીને એના સમાધાન કરીને નવા સાહસો કે ઉદ્યોગો વિકસાવી શકાય. દેશના દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરીને દેશની ઉત્પાદકતામાં પોતાનું યોગદાન આપે. આમાં સ્ત્રીઓ અને પુરુષોનો સરખો ફાળો રહેલો છે. દેશના દરેક વ્યક્તિ એવી કોશિશ કરે કે આપણે દરેક વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી આપણા પોતાના દેશમાં જ બનાવી શકીયે અને બીજા દેશ પર ઓછા નિર્ભર રહીએ. હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે કે નાનામાં નાની સોઈથી લઈને દરેક વસ્તુઓ ભારત દેશની જ વાપરવી પણ આ દરેક વસ્તુઓ વાપરવા માટે આ દરેક વસ્તુ ભારતમાં બનતી હોવી પણ જરૂરી છે. જેમ કે હાલ ભારત દેશ ડિફેન્સ અને મેડિકલ ક્ષેત્રની ઘણી બધી વસ્તુઓ પોતે નથી બનાવી રહ્યું. એક સત્ય પણ કડવી વાસ્તવિકતા એ છે કે આજ હું અને તમે બીજા દેશ દ્વારા બનાવેલી એપ કે ફોન પર આત્મનિર્ભર થવાની વાતો કરી રહ્યા છી. પણ જે હોઈ તે, બસ જાગ્યા ત્યારથી સવાર સમજીને નાનામાં નાની સોઈ થી લઈને વિશાળ મશીનરી, સેવાઓ, ટેકનોલોજી અને સંશોધન દેશમા જ ઉત્પાદિત થાય એ માટેના આયોજનો કરવા પડશે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી એ જે આહવાન કર્યું છે એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. વિદેશની દિગ્ગજ કંપનીઓના સારા એવા પદો આપણા દેશના ચતુર અને ટેલેન્ટેડ લોકો શોભાવી રહ્યા છે. દેશ પાસે ટેલેન્ટ તો છે જ, ફક્ત એને પ્લેટફોર્મ આપવાની જરૂર છે. આવનારા સમયમાં આવા પ્લેટફોર્મ આપવામાં આવશે અથવા લોકો પોતે આવા પ્લેટફોર્મ બનાવશે એવું લાગી રહ્યું છે. 

જો ખેતીમાં આત્મનિર્ભર બનવાની વાત કરીયે તો
● ખેડૂત પોતાની ખેતી જાતે કરે અને ખેડૂત પરિવાર આખો ખેતી સાથે સંકળાય જેથી માથા દીઠ ઉત્પાદકતા વધે.
● ખેડૂતો ફક્ત ખેતી ન કરતા, પોતાના પ્રોડક્ટનું પ્રોસેસિંગ એટલે કે મૂલ્યવૃદ્ધિ કરીને પોતાની રીતે પોતાના ભાવથી વેચવાનું ચાલુ કરે. 
● ખેડૂતોએ ફક્ત ખેતી પર આધાર ન રાખતા, પૂરક આવકની વ્યવસ્થા વિકસાવવી જેવી કે ખેતી સાથે પશુપાલન, મરઘાં પાલન, બાગાયત, પ્રોસેસિંગ, મધુમાખીની ખેતી,  અળશિયાની ખેતી, એજોલાની ખેતી, એગ્રો ફોરેસ્ટરી, એગ્રો ટુરિઝમ અને ઇકો ટેમ્પલ ફાર્મ વગેરે અપનાવીને સાઈડ આવક મેળવી શકે છે...
● દિનેશભાઇ ટીલવાની એક વાત ખાસ અહીંયા કહેવા માંગીશ કે 5 કે 10 વિઘાના ખેડૂત ખાતેદાર થઈને ગામના શાકભાજી વાળા પાસે શાક લેવા જવું એ ખેડૂતની પડતીની નિશાની છે.
● ખેડૂતોને શુ વાવેતર કરવું, શુ વાપરવું , કેટલું વાપરવું અને ક્યારે વાપરવું એના માટે પોતે ખાસ આત્મનિર્ભર બને, બાજુવાળા ભાઈ એ ખાતર નાખ્યું એટલે હું પણ નાખુ એ ખોટનો ધંધો છે.
● ખેડૂતોએ પોતાની રીતે ખેતીને લગતું વાંચન વધારવું પડશે જેથી તેને સાચા ખોટાનું ભાન આવે અને કઈ વસ્તુને રોકવા કઈ દવાઓ વપરાઈ, કેવું બિયારણ વપરાય, કેમ ઉત્પાદન વધારાય એ ખબર પડે જેથી ખેડૂતો માર્કેટમાં ખોટી લાલચ આપનારા લોકોની સ્કીમમાં ફસાય નહીં, ઠગ લોકોથી, છેતરપીંડીથી અને આર્થિક નુકશાનીથી બચી શકે. 
● હાલ આખા ભારતમાં ફક્ત 1.5 થી 2 ટકા વસ્તુનું જ મૂલ્યવર્ધન થાય છે. બીજી તરફ ભારતમાં કાપણી પહેલા અને કાપણી પછીની ટેકનોલોજી જેવીકે અદ્યતન મશીનરી, ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજ કે આધુનિક ગોડાઉનો અને પ્રોસેસિંગ યુનિટના અભાવ ને કારણે બાગાયતી ફળો અને શાકભાજી જેવી પ્રોડક્ટસ ટોટલ ઉત્પાદનના અંદાજિત 30 થી 35 % બગડી જાય છે. આ બગડી જતી વસ્તુઓને પ્રોસેસિંગ કરીને બચાવી લેવામાં વિપુલ તકો રહેલી છે. 
● આ વિપુલ તકનો લાભ લેવા ખેડૂતોએ સંગઠિત થવું પડશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ, ખેડૂતમિત્ર ગુપ, સખી મંડળ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન અને સહકારી મંડળીઓના માધ્યમથી આગળ આવવું પડશે અને શક્ય એટલી દરેક વસ્તુઓ પોતાની રીતે બનાવીને વેચી શકાય. 
● દેશ ત્યારેજ આત્મનિર્ભર બને જો ગામડાઓ આત્મનિર્ભર બને, એટલે કે નાના-મોટા ઉદ્યોગો, ગામ કે ગામની આસપાસના વિસ્તારમાં જ ઉભા થાય તો લોકો ને આજીવિકા માટે શહેર તરફ પલાયન ના કરવું પડે. 
● ઓછા કેમિકલ કે ઓછા ઝેર વાપરીને આવનારી પેઢીને સ્વસ્થ જમીન અને  રોગ મુક્ત તંદુરસ્ત વારસો આપી શકાય. 

આત્મનિર્ભરતાની એક ચાવી...
દેશમાં જ બનેલી વસ્તુઓ વાપરીએ.. 
અને શક્ય એટલી દરેક વસ્તુઓ દેશમાં જ બનાવીએ.


ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...