ફળાઉ ઝાડ શા માંટે વાવવા જોઈએ ?
સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો, મલબારી લીંબડો, કરંજ, ગુલમ્હોર, પેલ્ટોફોરમ, રેઇન ટ્રી, આસોપાલવ, વગેરે જ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી, આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો, કંસારો, લક્કડખોદ, સુડો, કોયલ, બુલબુલ, ચીબરી, ઘૂકિયો વિગેરે (આમાંથી ઘણા નામ તો આપણા માંથી ઘણા લોકો એ સાંભળ્યા પણ નહી હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી, ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું કાંઈ વર્ષો થયે લુપ્ત નથી થયું, બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે. આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખવામાં આવતા જવાર /બાજરી/દાળ નથી, પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે કે જેનો આપણે જાણતા/અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષોની અંદરની બખોલો જેનો સફાયો થયી ગયો.
આપણા આંગણા ની પ્રકૃતિ પાછી જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પાછી પેલા જેવી જીવંત બનાવે.
આવા વૃક્ષો માં
જાંબુ, રાયણ, સફેદ જાંબુ, ગોરસ આમલી, મોટી બોરડી, શેતુર, ફાલસા, જામફળ, દાડમ, ચીકુ, કમરખ, ઉંબરો, પીપર, વડ, કદંબ, બદામ, પુત્રંજીવા, કરમદા, કાંચનાર, ગરમાળો, ખાખરો(કેસુડો) , પાનેરવો, ગુગળ, પીલુ, મહુડો, અશોક, ગુંદા, ગુંદી, મીઠો લીમડો, રામ ફળ, બીલી, બોરસલ્લી, સરગવો વિગેરે પ્રકારનાં વૃક્ષો આવે.
એમાંથી લગભગ બધા વૃક્ષો સર્વ-કાર્યક્ષમ એટલે કે ફળ આપવા સાથે છાંયો અને ઠંડક આપી ગરમી થી રક્ષણ કરે છે. જો તમારા અંગણાં પાસે ઝાડ બહુ ઊંચા થાય અને ઉપરથી ઇલેક્ટ્રિક ની લાઈન જતી હોય તો ઝાડ સામે ની બાજુ એ વાવવા નો આગ્રહ રાખો જેથી કરી ને ઝાડ ને કાપવા નો વારો ના આવે. આમતો નર્સરી વાળાઓ આવા વૃક્ષો ઓછા રાખે છે અથવા નથી રાખતા કેમકે એમાં વળતર ઓછું મળે કે નહિવત મળે એટલેજ તે લોકો ગ્રાહકો ને ઊંધા પાઠ ભણાવી નકારી દેતા હોય છે, બીજે રવાડે ચડાવી દેતા હોય છે. ઘણી વખત વાંસ, સપ્તપર્ણી જેવા વૃક્ષો જે આપણા સ્થાનિક વૃક્ષો નથી એને માત્ર વધારે મળતી અવાક માટે વેચ્યા અને જમીન બગાડી ને પ્રકૃતિ પણ બગાડી.
તો ચાલો આ વખતે 🌱 વૃક્ષારોપણ 🌱 ની ઈચ્છા થાય તો કૈક અનેરું કરીયે નર્સરી વાળા 👨🌾 પાસે કૈંક અનેરી માંગણી કરીયે ને આપણી પ્રકૃતિ ને પાછી જીવંત કરવાનો પ્રયાસ કરીયે.
Courtesy :- અજ્ઞાત પ્રકૃતિ પ્રેમી.
તમે નીચે કોમેન્ટમાં જરૂર થી જણાવજો કે આ વર્ષે તમે કયું વૃક્ષ વાવ્યું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો