વુમેન્સ in એગ્રીકલ્ચર...

    

  કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોમાં મહિલાઓ આજે નોંધપાત્ર અને નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગ્રામીણ મહિલાઓ કૃષિ, પશુપાલન, બાગાયત તેમજ મત્સ્યપાલન ક્ષેત્રે ખૂબ યોગદાન આપી રહી છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરેલ મહિલાઓ કૃષિ અભ્યાસ, કૃષિ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા કૃષિ ક્ષેત્રને આગળ લઈ જવા પોતાના જ્ઞાનને કામે લગાડ્યું છે. ભારતના અલગ અલગ વિસ્તારમાં મહિલાઓની કૃષિમાં ભાગીદારી પ્રદેશ થી પ્રદેશ અલગ અલગ છે. પરંતુ આ વિવિધતા ને ધ્યાનમાં લીધા વિના મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી રહી છે. 

            ભારત જેવા વિકાસશીલ દેશની અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્ર ટોટલ જી.ડી.પી. નું 13 % આસપાસ યોગદાન આપે છે. તો સામે 55 % જેટલો રોજગાર પૂરો પાડે છે. આમાનો ઘણો બધો કૃષિ મજૂરો તરીકેનો ફાળો મહિલાઓનો છે. મહિલાઓના યોગદાનની વાત કરીયે તો 33 % મહિલાઓ ફાર્મ મજૂર તરીકે તો 48 % મહિલાઓ સ્વ-રોજગાર ખેડૂત મહિલાઓ તરીકે પોતાનું યોગદાન આપી રહી છે. ભારતમાં આજે જેટલી સ્ત્રીઓ આર્થિક રીતે સક્રિય કામ કરી રહી છે એમાંની 65 % કરતા વધારે સ્ત્રીઓ ખેતી ક્ષેત્રમાં છે. સાવ સાદી ભાષામાં સમજીયે તો હાલ જેટલી સ્ત્રીઓ કમાઈ રહી છે તેમાની 65 % મહિલાઓ કૃષિ માંથી કમાઈ રહી છે.  

            ગ્રામીણ મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં વાવેતરથી લઈને કાપણી તથા મૂલ્યવૃદ્ધિ સાથે પશુપાલન, બાગાયત અને કૃષિ સલગ્ન વ્યવસાયોમાં અલગ અલગ રીતે યોગદાન આપી રહી છે તેને અલગ અલગ વિભાગમાં વિસ્તૃત સમજીયે તો .....     

ખેતીવાડી...

       ખેતી કાર્યોમાં આજે મહિલાઓ સક્રિય રીતે ભાગ ભજવી રહી છે. તેઓ ખેત મજૂર તરીકે, પોતાના જ ખેતરમાં કામ કરીને, અન્ય મજૂરો પર દેખરેખ રાખીને અઠવા તો કાપણી પછીની મૂલ્યવૃદ્ધિની કામગીરીમાં કામ કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.  મહિલાઓ વાવેતરમાં, નર્સરી વ્યસ્થાપન, ધરું પ્રત્યારોપણ, દવા - ખાતર - પાણી આપવામાં, નિદાઈ ખોદાઈ, પાક દેખરેખ, પાકની કાપણી જેવી વિવિધ પ્રક્રિયામાં પુરુષોની સાથે તેના કરતાં પણ વધુ ચિવટત્તાથી ચોખ્ખુ કામ કરી રહી છે. આજના સમયે પાકની કાપણી બાદ ઘણી મહિલા ખેડૂતો માર્કેટમાં સીધુ વેચવાને બદલે પાકનું સોરટિંગ, ગ્રેડિંગ અથવા તો મૂલ્યવર્ધન કરીને, પેકેજીંગ કરીને પોતાના બ્રાન્ડના નામથી પોતાની પ્રોડકટો વેચી રહ્યા છે. શ્રીમતી પરુલબેન ઝવેરી એમાના એક છે જેઓ છેલ્લા 17 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તેમના ફાર્મનું નામ કનિકા ઓર્ગેનિક ફાર્મ છે. તેઓ આંબળાના ફળોને મૂલ્યવૃદ્ધિ કરીને બનાવેલી અલગ અલગ વસ્તુને પોતાના કનીકા બ્રાન્ડ નામથી વેચી રહ્યા છે અને આમળા ઉગાડતા અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. 

(કનિકા ઓર્ગેનિક ફાર્મના આંબળા માંથી બનાવેલી વિવિધ વસ્તુઓ...)

શહેરીકરણ, વૈશ્વિકરણ અને વધુ આવકની શોધમાં પુરુષો દ્વારા વધુ આવક રળવા માટે થતા સ્થળાંતરને લીધે ઘણી મહિલાઓ પર ખેતીના દરેક કાર્યોની જવાબદારી આવી છે જે તેઓ બખૂબીરીતે નિભાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર વિસ્તારના ચિત્રાવડ ગામના પ્રગતિશીલ ખેડૂત મહિલા શ્રીમતી ફરઝાનાબેન સોરઠીયાના પતિ વિદેશ કામ કરી રહ્યા છે ત્યારે ફરઝાનાબેન પોતાના 8 વિઘાના ખેતરમા ડ્રેગન ફ્રૂટની સાથે મગફળી અને અન્ય પાકોની ખેતી કરીને ખૂબ સારું કમાઈ રહયા છે. પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને યુનિવર્સિટી તેમજ આસપાસના વિસ્તારમાં થતી ખેડૂત તાલીમોમાં ભાગ લેતા રહે છે અને પોતાની ખેતીને વધુ ઉત્કૃષ્ટ બનાવવા મથામણ કરતા રહે છે. આવી તો કેટલીયે સ્ત્રીઓના કૃષિ ક્ષેત્રમાં વિશેષ યોગદાનને આપણે ગણ્યું નથી અથવા તો ગણતા ભૂલી ગયા છીએ તેવી અસંખ્ય સ્ત્રીઓ પોતાનું આગવું યોગદાન આપી રહી છે.

( તસ્વીરમાં ચિત્રાવડ ગામના ફરઝનાબેન પોતાના ફાર્મ પર ડ્રેગન ફ્રુટ સાથે...)

પશુપાલન
          ભારતીય ખેડૂતો નાની જમીનના ટુકડા ધરાવતા હોવાથી તેની વિવિધ ખાદ્ય જરૂરિયાતોની પૂર્તિ કરવા અને આવકમાં વધારો કરવા પૂરક આવક તરીકે પશુપાલન કરે છે. ખેતીની જેમજ પશુપાલનમાં પણ મહિલાઓનો ખૂબ ફાળો છે. 

પશુપાલનના દરેક કાર્યો જેવાકે વાસિંદૂ , નિણ-પૂળો કરવો, સાફ સફાઈ, પાણી અને ખોરાક આપવો, દૂધ ધોહવું તેમજ ડેરીમાં દૂધ દેવા જવું, છાણા થાપવા, છાશ વલોવવી, ધી બનાવવું વગેરે જેવા મુખ્ય ઘરેલુ કાર્યોની સાથે સાથે ગુજરાતના સહકારી ડેરી ઢાંચામાં દૂધ ભરાવવાથી લઈને, સંચાલન અને પૈસાનો હિસાબ કિતાબ પણ માહિલાઓ સફળતા પૂર્વક કરી રહી છે. પશુઓને ચરાવવા લઇ જવા તેમજ બીમાર પશુઓની સારવાર સિવાય લગભગ બધાજ કર્યો માહિલાઓજ કરે છે. પશુપાલન થકી ઉત્પન્ન થતી ઘણી બધી પ્રોડક્ટ વેચીને તેવો પરિવારની કાયમી જરૂરીયાતો પુરી કરે છે. ફક્ત પરિવારની જરૂરિયાત પૂરી ન કરતા ગુજરાત અને ભારતના ઘણા પશુપાલક મહિલાઓએ પશુપાલનને મશમોટો વ્યવસાય બનાવીને ખૂબ મોટી આવક રળ્યાના ઘણા બધા દાખલાઓ છે. 2017 - 2018 ના વર્ષમાં  શ્રીમતી કાનૂબેન ચૌધરીએ બનાસ ડેરીમાં 78 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને - ગુજરાત રાજ્યના સૌથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલક મહિલા તરીકેનો એવોર્ડ ગુજરાત સરકાર પાસેથી મેળવ્યો છે. 


તો બીજી તરફ ફક્ત 27 વર્ષની છોકરી કુમારી શિલ્પી સિન્હા, જ્યારે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે 2012માં બેંગ્લોરમાં ભણવા ગયા હતા ત્યારે તેમને બનાવટી અને મિલાવટી દૂધ પીવું પડતું હતું. એ સમય દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ સમસ્યા તો બેંગ્લોર સિટીના ઘણા બધા લોકો ની હશે અને એના સમાધાન ના ભાગ રૂપે તથા શહેરી લોકોને શુદ્ધ ગાયનું દૂધ મળી રહે એવા હેતુ સાથે સ્થાપેલી કંપની "ધ મિલ્ક ઇન્ડિયા કંપની" આજે રોજના 600 કરતા વધુ ઘરમાં શુદ્ધ ગાયનું દૂધ પહોંચાડીને વાર્ષિક 1 કરોડ કરતા વધારેનું ટર્નઓવર કરે છે. આ ઉદાહરણો નારી ઉદ્યોગ સાહસિકતાના બેજોડ નમૂના છે.  

       
કૃષિ સંલગ્ન અન્ય વ્યવસાય...


ઘણી ખેડૂત મહિલાઓ ખેતી - પશુપાલનની સાથે-સાથે બાગાયત, મરઘા પાલન, બકરા પાલન, મત્સ્ય પાલન, મશરૂમની ખેતી, રેશમ કીડા ઉછેર, અળસીયા ઉછેર, ખાતર બનાવવું, હસ્ત કલા તથા ગૃહ ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓમાંથી પણ ઘણું બધું કમાઈને સમાજમાં આગવું નામ સ્થાપિત કરી રહી છે. ખેતીના નાના નાના કાર્યો ખેડૂત મહિલાઓ જ કરે છે. ઘણી મહિલાઓ ગ્રૂપમાં સાથે રહીને સખી મંડળ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવીને પોતાની અંદર રહેલી આવડતથી લોકો ને મદદરૂપ થતા થતા સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. બિહારના મુઝ્ઝફરપુર જીલ્લામાં રહેતા 58 વર્ષના શ્રીમતિ રાજકુમારી દેવીએ પોતાના ખેતીના અનુભવ અને કુશળતાના આધારે બિહારના મુઝ્ઝફરપુર જીલ્લાના આંતરિયાળ ગામોમાં ફક્ત સાઇકલ લઈને ફરી ફરીને મહિલાઓને કિચન ગાર્ડન પર માહિતી આપવાનું કામ ચાલુ કરેલુ જે આજે 30 કરતા વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપનું મસમોટું નેટવર્ક બની ચૂક્યું છે. લોકો તેમને "કિસાન ચાચી" તરીકે ઓળખે છે. ક્યાં પાક લેવા અને તેને કઈ રીતે મૂલ્યવૃદ્ધિ કરીને વેચવા એવા કામોમાં તેમની કુશળતા છે. આજે 350 કરતા વધારે મહિલાઓ એમના માર્ગદર્શન થકી આત્મનિર્ભર બની ચુકી છે. તેમની સંસ્થા દ્વારા ઘણી બધી મહિલાઓને રોજગાર પણ મળે છે. તેમની કાર્યપદ્ધતિ અને મહેનતને ધ્યાનમાં રાખીને આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ નારી શક્તિના સન્માનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 

અહીં ગુજરાતની જ વાત કરીએ તો કચ્છ જીલ્લાનાં, માંડવી તાલુકાના, નાની વિરાણી ગામના ફક્ત 10 ધોરણ સુધી ભણેલા મહિલા ખેડૂત  શ્રીમતી કમલાબેન જેન્તીલાલ પટેલ 12 અન્ય ખેડૂત મહિલાઓ સાથે મળીને "આશીર્વાદ ગૃહ ઉદ્યોગ" ચલાવે છે. કચ્છના આંતરિયાળ ગામડાઓમાં ઓછી જમીન અને સિઝન સિવાય કામ ન હોવાને લીધે ગૃહિણીઓ પાસે નવરાશનો સમય હોઈ છે. આ નવરાશના સમયને કાર્યકુશળ નેતુત્વ દ્વારા યોગ્ય દિશા મળવાથી આજે સંસ્થા વિવિધ પ્રકારના અથાણા, કપડાં ધોવાનો પાવડર, અગરબત્તી  અને અન્ય સીઝનલ ખાદ્ય સામગ્રીને પેકીંગ કરીને માર્કેટમાં વેચે છે અને સારી આવક મેળવી રહ્યા છે.

  ઉત્તરાખંડના દિવ્યાબેન રાવત જેને દેશ આખો મશરૂમ લેડી તરીકે ઓળખે છે. માસ્ટર ઓફ સોશિયલ વર્કની પદવી મેળવ્યા બાદ મલ્ટી નેશનલ કંપનીની નોકરી છોડીને તેમને પોતાનો મશરૂમનો વ્યવસાય ચાલુ કર્યો આજે એમના થકી ઘણી અન્ય મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. તેઓ કાર્ડિસેપ નામની મશરૂમ ઉગાડે છે જેનો 1 કિલોનો ભાવ લાખોમાં છે. દિવ્યબેનના કાર્ય થકી ઘણી અન્ય મહિલાઓને પ્રેરણા મળેલ છે. ઉત્તરાખંડ સરકારે દિવ્યાંબેનના અથાગ પ્રયાસો અને મહેનતને ધ્યાનમાં લઈ તેમને મશરૂમની ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. એક નાની ઉંમરની છોકરી માટે આટલું મોટુ બહુમાન મળવું એ ખૂબ મોટી વાત છે.


કૃષિ અભ્યાસ, કૃષિ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ

કૃષિ, પશુપાલન અને કૃષિના અન્ય ક્ષેત્રમાં વપરાતી પધ્ધતિઓ, ટેકનોલોજી અને નવીન સંશોધનો ખેડૂતો દ્વારા વાપરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી વિકસાવવામાં, નવા સંશોધનો કરવામાં તેમજ ટેકનોલોજીને લેબોરેટરી થી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવામાં મહિલા કૃષિ વિજ્ઞાનિકો, મહિલા વિસ્તરણ અધિકારીઓ અને કૃષિ સાથે સંલગ્ન મહિલાઓનો ઉલ્લેખનીય ફાળો છે. કૃષિમાં થતા નવા સંશોધનો થકી જ ખેડૂતોના ખર્ચ ઘટાડીને આવકમાં વધારો થાય છે. ત્રિપુરા રાજ્યના લેમ્બુચેરી વિસ્તારમાં આવેલી આઇ. સી. એ. આર.ની ઉત્તર-પૂર્વી પહાડી પ્રદેશના સંશોધન કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા શ્રીમતી ડો. લોપામુદ્રા સાહૂ અને તેમની ટીમે આદિવાસી ખેતી પદ્ધતિ પર નવીન સંશોધન કરીને ત્રિપુરા રાજ્યના 90 કરતા વધારે ગામડામાં 10000 કરતા વધારે ખેડૂતોની આવકને ડબલ કરતા પણ વધારી દીધી છે.

 તેમના સંશોધનોમાં તેમણે કૃષિ વિજ્ઞાન, ફાર્મ મેનેજમેન્ટ, સંકલિત ખેતી, ઉચ્ચતરીય ખેતી પદ્ધતિ તથા સંરક્ષિત અને ટકાઉ ખેતી વગેરે જેવા અલગ અલગ પહેલુઓને એક સાથે અજમાવીને ખેતરની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારો કરેલ છે. તેમની અથાગ મહેનત થકી આસપાસના વિસ્તારના મહિલા ખેડૂતો અને યુવા ખેડૂતોને સ્વ રોજગાર આપવામાં મદદ મળશે. આ કાર્ય બદલ ICAR એ તેમને ફકૃદિન અલી અહેમદ એવોર્ડથી જુલાઈ - 2019માં બિરદાલેવ છે એવું ICAR ની વેબસાઈટ પરથી જાણવા જોવા મળે છે. તેમની આપેલી ખેતી પધ્ધતિથી આદિવાસી વિસ્તારના લોકોના ખેતી પ્રત્યેના અભિગમમાં આજે સકારાત્મક બદલાવ આવ્યો છે. આ પદ્ધતિ આવનારા સમયમાં એક લાખ કરતા વધારે ત્રિપુરાના  આદિવાસી લોકો માટે ખાદ્ય અને જીવનનિર્વાહની સુરક્ષામાં એક નવી આશાનું કિરણ બની રહેશે.

------------------------------------------------
પંચ પોઇન્ટ :- મહિલાઓ આટલી મહેનતુ, ઉત્સાહી, બુધ્ધિચાતુર અને કાર્યનિષ્ઠ હોવા છતાં ઘણી વખત ખોટા રીતી રિવાજો, ખોટી પરંપરાઓ, મહિલાઓને તક ન મળવાના કારણે તેની અંદર રહેલી પ્રતિભા ખીલી સકતી નથી.
તમે પણ જરા જોજો - તમારા ઘરે તો કોઈ માતા, બહેન, પત્ની કે દીકરી તો નથીને જેને યોગ્ય તક ન મળી હોય...
તો ચાલો આ વુમેન્સ ડે ના દિવસે એમને એક નવી તક આપીયે. 


( આપની પાસે પણ કોઈ આવી કૃષિ ઉદ્યોગ સાહસની, નવીન પાક વાવ્યાની, મૂલ્યવર્ધન કરીને પોતાના નામે વેચવાની, વધુ ઉત્પાદન કે વધુ આવક મેળવ્યાની, સંશોધન, વિસ્તરણ કે કૃષિ ક્ષેત્રમાં આપેલા વિશિષ્ટ યોગદાનની સફળ ગાથા હોઈ તો આપ અમને અમારા mail id - agrigreenland@gmail.com પર મોકલી શકો છે. )

લેખક :- દિક્ષિત કોટડીયા
કૃષિ નિષ્ણાત, કૃષિ સલાહકાર 

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...