ખેડૂતોની આવક વધારવાની પદ્ધતિ એટલે ઇન્ટિગ્રેટેડ ખેતી...
ઇન્ટિગ્રેટેડ ખેતી
નમસ્કાર ખેડૂતમિત્રો...
આજની ખેતીની વાત ના લેખમાં ખૂબ જ સરસ મજાના ટોપિક પર વાત કરવાની છે. ઇન્ટિગ્રેટેડ ફર્મિંગ એટલે કે સંકલિત ખેતી. સંકલિત ખેતી એટલે એવી ખેતી જેમાં ફાર્મના એક કરતા વધારે ધટકોનો, એક બીજા માટે વપરાશ થાય અને સરવાળે વધુ નફો અને વધુ ઉત્પાદકતા મળે તેને સંકલિત ખેતી કહી શકાય. સંકલિત ખેતીમાં ખેતીના અલગ અલગ વ્યવસાયને એક બીજા સાથે સુસંગત રીતે જોડીને ઉપયોગમાં લેવામાં આવે છે. ખેતીના એક વ્યવસાય માંથી નીકળતી બાય પ્રોડક્ટ બીજા વ્યવસાયમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે થકી ખેડૂત પાસે રહેલા કુદરતી સંસાધનો નો વધુ સારી રીતે તથા કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
એક ઉદાહરણ સાથે સમજીએ તો ગુજરાત રાજ્યના, સૌરાષ્ટ્રના એક નાના ખેડૂત સવજીભાઈ, પોતાના ખેતરમાં ખેતીની સાથે પશુપાલન અને બાગાયત પણ કરે છે ખેતીની જમીન સાથે એમને 2 ગાયો અને 2 બળદ છે. આમ જોઈએ તો પશુપાલન એ જુદો વ્યવસાય છે પણ ઇન્ટિગ્રેટેડ ખેતીમાં એક કરતા વધુ વ્યવસાયને જોડવામાં આવે છે. હવે સવજીભાઈ જે પણ પાક ખેતરમાં ઉગાડે છે એમાંથી નિકળતી બાયપ્રોડકટ તે પોતાના પશુઓને આપે છે તેના બદલામાં ગાય પાસેથી તેમને દૂધ, છાણ અને ગૌ મૂત્ર મળે છે. જ્યારે બળદ પાસેથી તેઓ ખેતરમાં વિવિધ કામ લે છે. ઘણા ખરા કામ બળદ દ્વારા થતા હોવાથી તેમને યંત્રના ભાડા ઓછા આપવા પડે છે. ગાય અને બળદ પાસેથી મળેલું છાણ અને ગૌ મૂત્ર તે ખેતીમાં વાપરે છે. ઓર્ગેનિક ખાતર એ બેલેન્સ ખાતર એટલે કે સંપૂર્ણ ખાતર (એવું ખાતર જેની અંદર છોડને જરૂરી દરેક તત્વો ઓછા - વધુ માત્રામાં ઉપલબ્ધ હોઈ છે.) હોવાથી એમને બહારના રાસાયણિક ખાતરનો ખર્ચ ખૂબ જ ઓછો અથવા નહિવત થાય છે.
સવજીભાઈનો દીકરો હાલ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે તેમણે જોયું કે ગૌ મુત્રના અર્કની માર્કેટમાં ખૂબ માંગ છે. પોતાના ફ્રી સમયમાં ગૌમૂત્ર ની સાથે વિવિધ પ્રક્રિયાઓ તથા ઔષધીઓને મિક્ષ કરીને તે વિવિધ જાતના ગૌ મૂત્ર અર્ક બનાવે છે. અર્કનું વેચાણ કરીને પોતાના પિતાજીને વધુ આવક મેળવવામાં મદદ કરે છે. બીજી તરફ લીંબૂડીના બગીચામાંથી સીઝન દરમિયાન લીંબુનો સારો પાક આવે છે તેનું સિધુ વેચાણ પોતાના ઘરેથીજ કરતા હોવાથી તેમાંથી પણ સારી આવક મળી રહે છે. આમ આ ખેડૂત પરિવારને ખેતીમાં ખર્ચ ઓછો અને ફાયદો વધારે થાય છે. આતો એક સવજીભાઈનું ઉદાહરણ છે પણ ગુજરાત અને ભારતમાં આવા કેટલાયે સવજીભાઈ હાલ આવી રીતે ખેતી કરી જ રહ્યા છે પણ તેઓ આ વાત થી કદાચ અજાણ છે.
ઇન્ટિગ્રેટેડ ખેતી એ તો ખેતીના અભ્યાસની એક વિશાળ શાખા છે. ઇન્ટિગ્રેટેડ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, બાગાયત, એગ્રો ફોરેસ્ટરી, શેઢા પાળાનો સદઉપયોગ, મરઘાપાલન, માછલી પાલન, મધમાખી પાલન, અળશિયાની ખેતી, મશરૂમ ઉત્પાદન, રેશમ કીડા ઉછેર અને આવા બીજા ખેતીને સંલગ્ન વ્યવસાયો જોડવામાં આવે છે. આમાંના કયા ઘટકો કોની સાથે ક્યારે વાપરવા એ અલગ અલગ વિસ્તાર, વાતાવરણ અને ભૂગોલીક વિવિધતા તથા ખેડૂત પાસે રહેલા કુદરતી/કુત્રિમ સંસાધનો પર આધાર રાખે છે.
ઇન્ટિગ્રેટેડ ખેતીના એક મહત્વના મુદાની વાત કરિયે તો ખેડૂતોને આવકના જુદા જુદા સ્ત્રોત મળે છે. તેથી તેમને ખેતીના કોઈ એક વ્યવસાય પર આધાર રાખવો પડતો નથી અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ એમને આવક મળતી રહે છે. આ આવક એક ધારી અને લાંબા સમયની આવક હોઈ છે. સવજીભાઈએ પણ પોતાના જુના સમયને વાગોળતા કહ્યું હતું કે એક વર્ષે અતિવૃષ્ટિના કારણે એમનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે એમણે પશુપાલન માંથી આવતી આવકે જ એમનું ગાડું ગબડાવ્યું હતું.
આજકાલ તો જમાનો ખૂબ ફાસ્ટ થઈ ગયો છે. દેશ અને દુનિયાના અલગ અલગ વિસ્તારમાં આધુનિક પદ્ધતિઓ ખૂબ વપરાઈ રહી છે પણ ગુજરાત અને ભારતમાં ઘણા ખેડૂતો આજે પણ નાના અને સીમાંત ખેડૂતોના વર્ગમાં આવતા હોવાથી તેમની પાસે જમીનના નાના ટુકડા, તથા કુત્રિમ અને કુદરતી સંસાધનોનો અભાવ છે તેથી તેવો આવી ખેતી તરફ વળી શકે છે.
કોઈ પણ ખેડુત ઇન્ટિગ્રેટેડ ખેતી તો જ કરે જો એમને ફાયદો દેખાય... તો આવો નીચે સમજીએ ઇન્ટિગ્રેટેડ ખેતીના ફાયદા..
(1) ઇન્ટિગ્રેટેડ ખેતી કરવાથી જમીન વધુ ફળદ્રુપ અને લાંબા સમય માટે ઉપજાવ બને છે.
(2) આ પ્રકારની ખેતી કરવાથી જમીનની અને ફાર્મની ઉત્પાદકતા વધે છે.
(3) ઇન્ટિગ્રેટેડ ખેતીમાં પાક ઉત્પાદન ખર્ચ ઘટે છે.
(4) ખેડૂતની આવકના સ્ત્રોત વધે છે અને બારે માસ આવક મળતી રહે છે.
(5) પરિવારના અન્ય સભ્યોની આવકથી, પરિવારની આવક માં વધારો થાય છે.
(6) પરિવારના સભ્યોને આખું વર્ષ કામ મળી રહે છે.
(7) ફાર્મમાં ઉપસ્થિત કુદરતી/કુત્રિમ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.
(8) ઇન્ટિગ્રેટેડ ખેતીમાં રાસાયણિક ખાતરનો વપરાશ અને ખર્ચ ઘટે છે.
(9) જો ગોબરગેસનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઇંધણ પણ મળે છે.
(10) ઇન્ટિગ્રેટેડ ખેતીમાં રોજગાર ની વધુ તકો રહેલી છે. ખેડૂતો અન્ય મજૂરોને રોજગાર આપી શકે છે.
(11) કુદરતી ધટકોનું એક માંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું રહે છે અને પ્રદુષણ પણ ઘટે છે.
(12) લાંબા સમયે ખેડૂતોની સ્થિતિ અને આજીવિકા સુધરે છે.
આ રીતે ઇન્ટિગરેટેડ ખેતી એ ખેતીની એક વિશેષ રીત છે. ઇન્ટિગ્રેટેડ ખેતી કરવાથી ખેડૂતની આવકમાં વધારો થાય છે એમાં કોઈ શંકા નથી. તે સિવાય ક્યારેક કોઈક વિપરીત પરિસ્થિતિ જેવીકે દુષ્કાળ, અતિવૃષ્ટિ, કે પાક ફેલ થવાની પરિસ્થિતિમાં ખેતરના અન્ય ધટકોમાંથી આવક ચાલુ રહે છે. ઇન્ટિગ્રેટેડ ખેતીથી નાના અને સીમાંત ખેડૂતો સારી આવક રળી શકે છે. આ લેખના મુખ્ય ટાઇટલ પ્રમાણે ઇન્ટિગ્રેટેડ ખેતી એટલે ખેડૂતોની આવક વધારવાની પદ્ધતિ. તમે પણ અજમાવી જુવો ફાયદો જરૂર થશે.
જો આપ આ પ્રકારની ખેતી કરતા હોવ તો નીચે કોમેન્ટમાં આપના વિશે અમને થોડું જણાવો.. આપની વાત અમે બીજા સુધી પહોંચાડીશું.
આ લેખ સારો લાગે તો આપના અન્ય મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવજો...
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો